લોકો કરબચત માટેનાં અલગ અલગ સાધનો શોધતાં હોય છે, પરંતુ ઘણાને ખબર નથી કે એવો એક રસ્તો પોતાના ઘરમાં પણ ઉપલબ્ધ છે. એ રસ્તો છે એચયુએફ એટલે કે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલીનો.
એચયુએફમાં પરિવારની મુખ્ય વ્યક્તિ કર્તા હોય છે અને પરિવારના સભ્યોને કોપાર્સનર્સ કહેવાય છે. સામાન્ય રીતે એચયુએફમાં એક પરિવારના મોભી અને બીજા બધા એમના વારસદારો હોય છે, જેમાં પુરુષો પોતે તથા પરિણીત પુરુષોની પત્નીઓ અને એમની અપરિણીત પુત્રીઓનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે નામ ભલે એચયુએફ હોય, પણ એ કાયદો બૌદ્ધ, જૈન અને શીખ ધર્મના લોકોને પણ લાગુ પડે છે. કરબચત માટે એચયુએફ કઈ રીતે ઉપયોગી થાય છે એના વિશે આજે વાત કરીએ.
પરિવારમાં લગ્ન થાય ત્યારે આપોઆપ એચયુએફ રચાઈ જાય છે, પરંતુ કરવેરાની દૃષ્ટિએ એને કરદાતા બનાવવા માટે તેમાં ઓછામાં ઓછા બે કોપાર્સનર્સ હોવા જરૂરી છે. બીજા શબ્દોમાં કહીએ તો, એચયુએફમાં પતિ-પત્ની બન્ને હોય છે, પરંતુ તેઓ બન્ને મળીને એચયુએફ બની શકે નહીં. એમને એક સંતાન થાય ત્યારે તેમાંથી પતિ કર્તા અને પત્ની તથા સંતાન કોપાર્સનર્સ બની શકે છે. આ રીતે પરિવાર માટે કરબચત માટે એચયુએફ તૈયાર થાય છે.
એચયુએફનું તેના નામે ઔપચારિક રીતે રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. તેનું નામ આપીને કાનૂની ખતપત્ર (લીગલ ડીડ) તૈયાર કરવાનું હોય છે. એ ખતપત્રમાં એચયુએફના સભ્યો તથા એના બિઝનેસ/આવકના સ્રોતની માહિતી હોવી જરૂરી છે. એચયુએફના નામે પૅન નંબર લઈ શકાય છે અને બૅન્ક ખાતું ખોલાવી શકાય છે. સામાન્ય રીતે એચયુએફમાં ભેટ, વારસાખત અથવા વારસાગત મિલકત કે પરિવારની સંયુક્ત મિલકતનું વેચાણ કરીને પ્રાપ્ત કરાયેલી મિલકત એ બધી ઍસેટ્સ હોય છે.
એચયુએફ માટે વ્યક્તિગત કરદાતા જેટલો જ કરવેરો લાગુ પડે છે. એટલું જ નહીં, વ્યક્તિગત કરદાતાને મળતાં તમામ ડિડક્શન અને એક્ઝેમ્પશન એચયુએફને પણ મળે છે. દા.ત. જો એચયુએફ નિશ્ચિત મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે તો એને આવક વેરા ધારાની કલમ ૮૦સી હેઠળ કરબચતનો લાભ મળે છે. કર્તા અને કોપાર્સનર્સની વીમા પોલિસીનું પ્રીમિયમ એચયુએફની આવકમાંથી ચૂકવી શકાય છે અને કલમ ૮૦સી હેઠળ તેનું ડિડક્શન લઈ શકાય છે.
કરબચત માટે એચયુએફ કેવી રીતે ઉપયોગી થાય છે એનું એક ઉદાહરણ જોઈ લઈએ. પ્રેમભાઈ શુક્લને એમના પિતાની પાસેથી પ્રોપર્ટી વારસામાં મળી છે. એમની કરપાત્ર આવક (બધાં ડિડક્શન કાપી લીધા બાદ) ૨૦ લાખ રૂપિયા છે અને વારસામાં મળેલા ઘરનું ભાડું ૯ લાખ રૂપિયા મળે છે. ઘરના ભાડાની આવક પર ૩૦ ટકા સ્ટાન્ડર્ડ ડિડક્શન લાગુ કર્યા બાદ એમની કુલ કરપાત્ર આવક ૨૬.૩૦ લાખ રૂપિયા થાય છે. સરળતા ખાતર આપણે ધારી લઈએ કે શુક્લને કલમ ૮૦ હેઠળ કોઈ ડિડક્શન મળતું નથી. એમને લાગુ પડતા કરવેરાના સ્લેબ અનુસાર સેસ સહિત એમનો કરવેરો ૬.૨૫ લાખ રૂપિયા થાય છે.
ધારો કે પ્રેમ શુક્લે વારસામાં મળેલી સંપત્તિ પોતે કર્તા બનીને પત્ની તથા બે સંતાનો સાથે બનાવાયેલા એચયુએફને ટ્રાન્સફર કરી દીધી છે. મિલકત વારસામાં મળી હોવાથી એને એચયુએફની મિલકત ગણી શકાશે. આ સ્થિતિમાં એમને કેવી રીતે કરવેરો લાગુ થશે એ જોઈ લઈએ. એમની કુલ કરપાત્ર આવક ૨૦ લાખ રૂપિયા થશે અને તેના પર ૪.૨૯ લાખ રૂપિયાનો કરવેરો લાગુ થશે. એચયુએફને અલગ એન્ટિટી તરીકે કર લાગુ થતો હોય છે. શુક્લના એચયુએફની કુલ કરપાત્ર ૬.૩૦ લાખ રૂપિયા થશે અને તેના પરનો કરવેરો ૦.૪૦ લાખ રૂપિયા થશે. આમ, શુક્લનો ૧.૫૬ લાખ રૂપિયાનો કરવેરો બચશે. આ જ ઉદાહરણમાં જો આપણે એક પગલું આગળ વધીએ તો એચયુએફ નિશ્ચિત પ્રકારના મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને, કોપાર્સનર્સના જીવન વીમાનું પ્રીમિયમ ભરીને તથા અન્ય વિકલ્પો દ્વારા ૧.૩ લાખ રૂપિયા સુધીનું ડિડક્શન આવક વેરા ધારાની કલમો ૮૦સી/૮૦ડી હેઠળ પ્રાપ્ત કરી શકે છે. આ રીતે એમના એચયુએફની ચોખ્ખી કરપાત્ર આવક પાંચ લાખ રૂપિયા થશે અને એટલી આવક પર કરવેરો લાગુ પડતો નથી. આમ, સ્માર્ટ પ્લાનિંગ કરીને શુક્લ ૧.૮૬ લાખ રૂપિયા કરવેરાની બચત કરી શકે છે.
અહીં જણાવવું રહ્યું કે જો પોતાના પૈસે પ્રાપ્ત કરાયેલી ઍસેટને એચયુએફની પ્રોપર્ટી તરીકે રૂપાંતરિત કરવામાં આવી હોય અથવા પૂરતી નાણાકીય લેવડદેવડ વગર ટ્રાન્સફર કરવામાં આવી હોય તો એ સ્થિતિમાં થતી આવકને એચયુએફની આવક ગણવામાં આવતી નથી.
———————
પ્રશ્નઃ
મેં ૧.૫ કરોડ રૂપિયામાં ઘર ખરીદ્યું હતું અને તેના પર મને દર વર્ષે ૪,૦૦,૦૦૦ રૂપિયાની ભાડાની આવક થાય છે. હું દર વર્ષે એ ૪,૦૦,૦૦૦ રૂપિયા બૅન્કની ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકી દઉં છું, જેના પર મને વર્ષે ૨૮,૦૦૦ રૂપિયા વ્યાજ મળે છે. મારો પગાર ૨૦ લાખ રૂપિયા છે. શું હું કોઈ પણ નાણાકીય લેવડદેવડ વગર મારું ઘર એચયુએફમાં ટ્રાન્સફર કરીને કરની બચત કરી શકું છું?
ઉત્તરઃ
જો કોઈ વ્યક્તિની પોતાની ઊપાર્જિત આવકમાંથી મિલકત ખરીદાઈ હોય અને એને પૂરતી નાણાકીય લેવડદેવડ વગર એચયુએફની મિલકતમાં પરિવર્તિત કરવામાં આવી હોય તો એ મિલકત પર થતી આવકને એ મિલકતના માલિકની કુલ આવકનો હિસ્સો ગણવામાં આવશે. આમ, તમે એ મિલકત એચયુએફને ટ્રાન્સફર કરો તોપણ તમને તેના પર થતી ભાડાની આવક તમારી આવક ગણાશે અને તેને કારણે તમે તેના પર કરની બચત કરી નહીં શકો. જોકે, તમને મળતું ૨૮,૦૦૦ રૂપિયાનું વ્યાજ એચયુએફની આવક તરીકે કરપાત્ર બનશે અને તમારી આવકમાં નહીં ગણાય. આ રીતે તમે વ્યાજની રકમ પર થોડો કરવેરો બચાવી શકશો.
————-
નીતેશ બુદ્ધદેવ
ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, કરવેરા અને પર્સનલ ફાઇનાન્સ ક્ષેત્રના નિષ્ણાત