“આ દુનિયામાં સમજવામાં સૌથી અઘરી કોઈ વસ્તુ હોય તો એ છે આવક વેરો.” આ વિધાન જગપ્રસિદ્ધ વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇન કહી ગયા છે.
આપણે બધા જાણીએ છીએ કે એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ (ઈપીએફ) નિવૃત્તિકાળ માટેનું ભંડોળ હોય છે. કંપનીના કર્મચારીઓ પોતાની બેઝિક માસિક આવકના નિશ્ચિત ટકા રકમ આ ફંડમાં જમા કરાવતા હોય છે. એ જ રીતે માલિકોએ પણ કર્મચારીના ભંડોળમાં અમુક રકમ જમા કરાવવી પડતી હોય છે. ઈપીએફના હેતુસર પગાર એટલે બેઝિક વેતન વત્તા મોંઘવારી ભથ્થું વત્તા રિટેઇનિંગ અલાવન્સ.
અહીં જણાવવું રહ્યું કે કોઈ પણ કર્મચારી અને માલિક પગારના મહત્તમ ૧૨-૧૨ ટકા જેટલી રકમ ઈપીએફમાં જમા કરાવી શકે છે. કર્મચારીને ૧૨ ટકા કરતાં વધુ રકમ જમા કરાવવાની છૂટ આપવામાં આવી છે. જોકે, તેને સ્વૈચ્છિક પ્રોવિડન્ટ ફંડ (વીપીએફ) કહેવામાં આવે છે અને તેનો હિસાબ અલગથી રાખવામાં આવે છે. વીપીએફ પર પણ કરમુક્ત વ્યાજ મળે છે. કર્મચારી વીપીએફમાં રકમ જમા કરાવે તેનો અર્થ એવો નથી થતો કે માલિકે પણ એટલી રકમ જમા કરાવવી ફરજિયાત છે.
ઈપીએફ અને વીપીએફ આવક વેરા ધારાની કલમ ૮૦સી હેઠળ કરમુક્તિનો લાભ મેળવવા માટેનો રોકાણનો સારો વિકલ્પ છે.
હવે મહત્ત્વના મુદ્દા પર આવીએ. વર્તમાન નાણાકીય વર્ષનું કેન્દ્રીય બજેટ રજૂ કરાયું તેની પહેલાં સુધી ઈપીએફ અને વીપીએફ પરનું વ્યાજ કરમુક્ત હતું. બજેટમાં કરાયેલી નવી જોગવાઈ મુજબ જો કર્મચારી હવે પ્રોવિડન્ટ ફંડમાં ૧ એપ્રિલ, ૨૦૨૧થી વર્ષે ૨.૫ લાખ રૂપિયા કરતાં વધુ રોકાણ કરશે તો વધારાની રકમ પર મળનારું વ્યાજ કરપાત્ર બનશે. તેનો અર્થ એવો થયો કે જો ઈપીએફ અને વીપીએફ મળીને વર્ષે ૨.૫ લાખ કરતાં વધુ રોકાણ કરવામાં આવશે તો વધારાની રકમ પર મળતું વ્યાજ કરપાત્ર બનશે. ૨.૫ લાખ રૂપિયા કરતાં ઓછી રકમ પરનું વ્યાજ પહેલાંની જેમ કરમુક્ત રહેશે. માલિકે આ ફંડમાં જમા કરેલી રકમ પરનું વ્યાજ કરમુક્ત જ રહેશે.
ઉક્ત મુદ્દાને ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે એક વ્યક્તિનો પગાર દર મહિને ૧.૫ લાખ રૂપિયા છે. તેમાં બેઝિક પગાર ૧ લાખ અને એચઆરએ (હાઉસ રેન્ટ અલાવન્સ) ૫૦,૦૦૦ રૂપિયા છે. એ વ્યક્તિ દર મહિને ૧૨,૦૦૦ એટલે કે વર્ષે ૧.૪૪ લાખ રૂપિયા ઈપીએફમાં જમા કરાવી શકે છે. વર્ષે જમા થતી રકમ ૨.૫ લાખ રૂપિયા કરતાં ઓછી હોવાથી ઉક્ત નવી જોગવાઈની કોઈ અસર થતી નથી. જો તમે ઈપીએફ ઉપરાંત વીપીએફમાં વર્ષે ૧.૫ લાખ રૂપિયા જમા કરાવો તો તમારું કુલ વાર્ષિક યોગદાન ૨.૯૪ લાખ રૂપિયા થઈ જાય, જે ૨.૫ લાખ કરતાં ૪૪,૦૦૦ રૂપિયા વધારે છે. આમ, ૪૪,૦૦૦ રૂપિયા પર મળનારું વ્યાજ કરપાત્ર બની જશે.
અમુક ખાસ સંજોગોમાં વાર્ષિક ૨.૫ લાખ રૂપિયાની મર્યાદા વધારીને ૫ લાખ રૂપિયા કરવામાં આવી છે. એ સુધારો ફાઇનાન્સ બિલ, ૨૦૨૧માં કરવામાં આવ્યો છે. ૫ લાખ રૂપિયાનું આખેઆખું યોગદાન કર્મચારીનું પોતાનું હોય, માલિકનું કોઈ યોગદાન ન હોય તો જ એ સુધારો લાગુ પડે છે.
ખાનગી ક્ષેત્રમાં માલિકનું યોગદાન શૂન્ય હોય એવી શક્યતા નહીંવત્ છે. આના પરથી કહી શકાય કે સરકારી ક્ષેત્રમાં જે કર્મચારી વર્ષે ૫ લાખ રૂપિયા ઈપીએફ વત્તા વીપીએફમાં જમા કરાવતા હશે અને સરકાર તરફથી કોઈ રકમ જમા કરાવાતી નહીં હોય એ જ સ્થિતિમાં આ જોગવાઈ લાગુ પડશે.
——————–
પ્રશ્નઃ હું ખાનગી ક્ષેત્રમાં કામ કરું છું. વીપીએફ સહિતનું મારું પ્રોવિડન્ટ ફંડનું કુલ યોગદાન ૧ એપ્રિલ, ૨૦૨૦થી ૩૧ માર્ચ, ૨૦૨૧ સુધીના ગાળામાં ૩.૬ લાખ રૂપિયા હતું. ઉક્ત ફેરફારને ધ્યાનમાં રાખતાં શું તમે કહી શકો કે હું હજી એટલી જ રકમ જમા કરાવી શકું છું?
ઉત્તરઃ હા, રકમ જમા કરાવવાનો સવાલ છે ત્યાં સુધી તમે વધારે રકમ જમા કરાવી શકો છો. તમારે ફક્ત એટલું ધ્યાનમાં રાખવું પડશે કે ૨.૫ લાખ રૂપિયા કરતાં વધારાની જેટલી રકમ હશે તેના પરનું વ્યાજ કરપાત્ર બની જશે અને તમારે વ્યાજની એ આવક પર કરવેરો ભરવો પડશે.
પ્રશ્નઃ હું સરકારી કર્મચારી છું અને દર મહિને મારા પગારમાંથી ૪૫,૦૦૦ રૂપિયા જનરલ પ્રોવિડન્ટ ફંડ (જીપીએફ) અકાઉન્ટમાં જમા કરાવું છું. શું મારા જીપીએફ રોકાણ પર મળતું વ્યાજ કરપાત્ર બની જશે?
ઉત્તરઃ સરકાર જીપીએફ અકાઉન્ટમાં પોતાના તરફથી કોઈ રકમ જમા કરાવતી નહીં હોવાથી તમને ફાઇનાન્સ ઍક્ટ, ૨૦૨૧માં કરવામાં આવેલો ફેરફાર લાગુ પડશે અને તેથી ૫ લાખ રૂપિયા સુધીના યોગદાન પર મળતું વ્યાજ કરમુક્ત રહેશે. તમારું યોગદાન વર્ષે ૫.૪ લાખ રૂપિયા હોવાથી વધારાના ૪૦,૦૦૦ રૂપિયા પર મળનારા વ્યાજની રકમ કરપાત્ર બની જશે.
—————–
નીતેશ બુદ્ધદેવ
ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, કરવેરા અને પર્સનલ ફાઇનાન્સ ક્ષેત્રના નિષ્ણાત