સામાન્ય રીતે વ્યક્તિએ પોતે રળેલી આવક પર જ કરવેરો ભરવાનો હોય છે. જોકે, અમુક સંજોગોમાં અન્યોની આવકને પણ પોતાની આવકમાં સામેલ ગણવામાં આવે છે અને તેના પર આવક વેરો પણ ભરવો પડે છે. એ સ્થિતિ કઈ છે તેના વિશે આજે આપણે વાત કરવાના છીએ.
બીજી વ્યક્તિની આવકને કરદાતાની આવકમાં ઉમેરવાની પદ્ધતિને ક્લબિંગ ઑફ ઇન્કમ કહેવાય છે. જ્યારે કોઈ પણ ઍસેટની ટ્રાન્સફર કર્યા વગર આવકની ટ્રાન્સફર થતી હોય અથવા કોઈ પણ નાણાકીય લેતીદેતી વગર જીવનસાથીને ઍસેટ ટ્રાન્સફર કરવામાં આવે ત્યારે આવક થતી હોય અથવા પૂરતી નાણાકીય લેતીદેતી વગર પુત્રવધૂને ઍસેટ ટ્રાન્સફર કરવામાં આવે ત્યારે આવક થતી હોય, વગેરે સ્થિતિમાં ક્લબિંગ કરવામાં આવે છે.
આ વાતને શ્રીમતી રોહિણીના ઉદાહરણ દ્વારા સમજીએ. એમની વાર્ષિક આવક ૧૫ લાખ રૂપિયા હોવાથી એમને ૩૦ ટકાનું ટૅક્સ બ્રેકેટ લાગુ પડે છે. પુણેમાં એમની હાઉસ પ્રોપર્ટી છે, જેના પર એમને દર મહિને વીસ હજાર રૂપિયાનું ભાડું મળે છે. એમણે ભાડૂતને કહી રાખ્યું છે કે ભાડું એમના ખાતાને બદલે એમનાં સાસુના ખાતામાં જમા કરાવવું. એમનું માનવું છે કે સાસુ વરિષ્ઠ નાગરિક છે અને એમની આવકને કરમુક્તિની મર્યાદાના અંદર છે એથી ભાડું સાસુના ખાતામાં લેવાથી પોતાને કોઈ કરવેરો લાગુ નહીં પડે.
હકીકતમાં શ્રીમતી રોહિણીની આ માન્યતા ખોટી છે. એમના કિસ્સામાં ક્લબિંગ ઑફ ઇન્કમની જોગવાઈ લાગુ પડશે, કારણ કે પ્રોપર્ટી એમના નામની છે.
આપણે જોયું કે જીવનસાથીને પણ નાણાકીય લેવડદેવડ વગર અથવા ઓછા ભાવે ઍસેટ ટ્રાન્સફર કરવામાં આવે ત્યારે ટ્રાન્સફર કરનાર માટે કરપાત્ર બને છે. દા. ત. રામ મહેતા પાસે એક લિસ્ટેડ કંપનીના ૧૦,૦૦૦ ડિબેન્ચર છે. એમણે એ ડિબેન્ચર પોતાનાં પત્નીને જાન્યુઆરી ૨૦૨૧માં ભેટમાં આપ્યા. રામભાઈએ જાન્યુઆરીમાં ડિબેન્ચર ભેટ આપ્યા તેથી એમણે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટેની પોતાની વ્યાજની આવક ફક્ત ડિસેમ્બર સુધીની ગણી અને જાન્યુઆરી ૨૦૨૧થી માર્ચ ૨૦૨૧ સુધીની વ્યાજની આવક પત્નીની આવક તરીકે ગણી. એમનું માનવું હતું કે પત્નીની આવક કરમુક્તિની મર્યાદામાં આવી જતી હોવાથી એમણે કરવેરો ભરવો નહીં પડે. જોકે, રામભાઈનું માનવું ખોટું છે. એમણે કોઈ પણ નાણાકીય લેવડદેવડ વગર ડિબેન્ચર ભેટ આપ્યા હતા. આ ટ્રાન્સફર સંબંધીને ભેટ હોવાથી એમને કરમુક્તિ મળે છે. આમ છતાં ટ્રાન્સફર થયેલી ઍસેટમાં આવક થાય છે, જે ડિબેન્ચર પર મળતું વ્યાજ છે. હકીકતમાં આ આવક રામ મહેતાની આવક સાથે ક્લબ કરવામાં આવશે એટલે કે ઉમેરવામાં આવશે.
ઍસેટ જેને ટ્રાન્સફર કરવામાં આવી હોય એ જીવનસાથીને ઍસેટ મળ્યા બાદ જો ઍસેટનું સ્વરૂપ બદલાઈ જાય તોપણ ક્લબિંગની જોગવાઈ લાગુ પડે છે. ધારો કે શ્યામ મહેતાએ ડિસેમ્બર ૨૦૨૦માં પત્નીને એક લાખ રૂપિયા રોકડા ભેટમાં આપ્યા. પત્નીએ એ વખતે પૈસા પોતાના પર્સમાં રહેવા દીધા. પછીથી એટલે કે એપ્રિલ ૨૦૨૧માં એમણે એ પૈસા બૅન્ક ખાતામાં જમા કરાવ્યા અને એમાંથી એક લિસ્ટેડ કંપનીના ડિબેન્ચર ખરીદ્યા. એક લાખ રૂપિયા સંબંધીને ભેટમાં અપાયા તેથી એ આવક કરમુક્ત ગણાય. માર્ચ ૨૦૨૧ સુધી પૈસા શ્રીમતી મહેતા પાસે હતા તેથી ૩૧ માર્ચ ૨૦૨૧ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે શ્યામ મહેતા અને શ્રીમતી મહેતાની આવકની ગણતરી પર કોઈ અસર નહીં થાય. જોકે, એ પૈસા એપ્રિલમાં એટલે કે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ડિબેન્ચરમાં રોકવામાં આવ્યા ત્યારે એના પર આવક મળતી શરૂ થઈ. આ ટ્રાન્સફર નાણાકીય લેવડદેવડ વગર થઈ હોવાથી એ ડિબેન્ચરની આવક પણ પતિ એટલે કે શ્યામ મહેતાની આવકમાં ઉમેરવામાં આવશે.
——————-
પ્રશ્નઃ
મારી પાસે જસદણમાં એક પ્લોટ હતો. એનું ઉચિત મૂલ્ય ૪૫,૦૦૦ રૂપિયા હતું. જાન્યુઆરી ૨૦૨૦માં મેં એ જમીન મારી જિગરજાન મિત્ર જાહ્નવીને ભેટમાં આપી. એ ભેટનું મૂલ્ય ૫૦,૦૦૦ રૂપિયા કરતાં ઓછું હોવાથી એના પર કરવેરો લાગ્યો નહીં. માર્ચ ૨૦૧૧માં મેં અને જાહ્નવીએ લગ્ન કરી લીધાં. જાન્યુઆરી ૨૦૨૧ સુધી એ જમીન એમને એમ રહેવા દેવાઈ અને ફેબ્રુઆરી ૨૦૨૧માં એ ભાડે અપાઈ. એનું દર મહિનાનું ભાડું પાંચ હજાર રૂપિયા નક્કી થયું. શું ભાડાની આવક મારી આવકમાં ઉમેરવામાં આવશે?
ઉત્તરઃ
તમે ઍસેટ ટ્રાન્સફર કરી એ વખતે તમારો સંબંધ જીવનસાથી તરીકે ન હતો. ક્લબિંગની જોગવાઈ ત્યારે જ લાગુ થાય જ્યારે તમે જીવનસાથી તરીકે સંબંધમાં હો. તમારા કિસ્સામાં લગ્ન પહેલાં ટ્રાન્સફર થઈ હોવાથી લગ્ન બાદ પણ તમારી આવકમાં ભાડાનો ઉમેરો કરવામાં નહીં આવે.
————————————–
નીતેશ બુદ્ધદેવ
ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, કરવેરા અને પર્સનલ ફાઇનાન્સ ક્ષેત્રના નિષ્ણાત