અત્યારે બધા ક્રિસમસના મૂડમાં છે ત્યારે તમને અચાનક જ કોઈ વ્યક્તિ તમારી લેણી રકમ ચૂકવવા આવી જાય તો કેવું? સ્વાભાવિક છે કે તમને એ વાતનો ઘણો આનંદ થશે. આજે આપણે હાઉસ પ્રોપર્ટીના ભાડાની બાકી રહેલી ચૂકવણી મળે ત્યારે લાગુ પડતા કરવેરા વિશે વાત કરવાના છીએ.
ભાડૂત ગાયબ થઈ જાય, નાદાર થઈ જાય, વગેરે કારણોસર જ્યારે તમને હાઉસ પ્રોપર્ટીનું ભાડું મળે નહીં ત્યારે નીચે મુજબની સ્થિતિમાં તમે બાકી નીકળતી રકમને અગાઉના વર્ષના વાસ્તવિક ભાડામાંથી બાદ કરી શકો છોઃ
– ભાડૂત રાખ્યા હોવાનું વૈધ હોવું જોઈએ.
– ભાડું નહીં ચૂકવનાર ભાડૂત પાસે જગ્યા ખાલી કરાવેલી હોવી જોઈએ અથવા જગ્યા ખાલી કરાવવા માટે પગલાં ભરાયેલાં હોવાં જોઈએ.
– ભાડૂત કરદાતાની બીજી કોઈ પ્રોપર્ટીમાં રહેતો ન હોવો જોઈએ.
– કરદાતાએ ભાડાની લેણી રકમની વસૂલી માટે કાનૂની કાર્યવાહી સહિતનાં તમામ પગલાં લીધેલાં હોવાં જોઈએ. જો કાનૂની પગલાં લેવાયાં ન હોય તો એવાં લેવાનું નિરર્થક રહેશે, એવું કારણ કરદાતાએ આકારણી અધિકારીના ગળે ઉતારવું જોઈએ.
દા.ત. રવિકુમાર વડોદરામાં ઘર ધરાવે છે. એમણે પોતાનું ઘર દર મહિને ૨૫,૦૦૦ રૂપિયાના ભાડે આપ્યું છે. જાન્યુઆરી ૨૦૨૧માં ભાડૂતની નોકરી જતી રહેવાથી તેઓ રવિકુમારને ભાડું ચૂકવવા સક્ષમ રહ્યા નહીં. રવિકુમારે એમને જગ્યા ખાલી કરવા માટેની અનેક કાનૂની નોટિસ મોકલી હતી. નોકરી ગયા બાદ ભાડૂતને કોવિડ થયો અને એમાંથી સાજા થયા બાદ એમણે માર્ચ ૨૦૨૧માં જગ્યા ખાલી કરી.
રવિકુમારે ત્રણ મહિનાનું ૭૫,૦૦૦ રૂપિયા ભાડું વસૂલ કરવા માટે ભાડૂતને નોટિસ મોકલી છે. ધારો કે આ ઘરનું વાજબી ભાડું દર મહિનાનું ૧૫,૦૦૦ રૂપિયા છે અને સમગ્ર વર્ષ માટે પ્રોપર્ટી ટૅક્સ ૧૦,૦૦૦ રૂપિયા ભરવામાં આવ્યો છે. આ હાઉસ પ્રોપર્ટીની આવકની ગણતરી આ પ્રમાણે થાય:
વિગત | રકમ |
અ. વાજબી અપેક્ષિત ભાડું | ૧,૮૦,૦૦૦ |
મળેલું ભાડું | ૩,૦૦,૦૦૦ |
બાદ: નહીં મળેલું ભાડું | ૭૫,૦૦૦ |
બ. મળેલું ભાડું | ૨,૨૫,૦૦૦ |
કુલ વાર્ષિક ભાડું
(અ અને બ એ બન્નેમાંથી જે વધારે હોય એ) |
૨,૨૫,૦૦૦ |
પ્રોપર્ટી ટૅક્સ | ૧૦,૦૦૦ |
નેટ ઍસેટ વેલ્યુ | ૨,૧૫,૦૦૦ |
૩૦%ના દરે સ્ટાન્ડર્ડ ડિડક્શન | ૬૪,૫૦૦ |
કરજ પરનું વ્યાજ | શૂન્ય |
હાઉસ પ્રોપર્ટીની કરપાત્ર આવક | ૧,૫૦,૫૦૦ |
હવે ધારો કે રવિકુમાર અને એમના ભાડૂતે વાતચીત કરીને એવું સમાધાન કર્યું કે ભાડૂત જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૧ના ગાળા માટેનું ૬૦,૦૦૦ રૂપિયા ભાડું ચૂકવશે. રવિકુમારને એ રકમ નવેમ્બર ૨૦૨૧માં મળી.
નવેમ્બરમાં મળેલા ૬૦,૦૦૦ રૂપિયાના ભાડા પર પાછલા વર્ષે કરવેરો લાગુ પડ્યો ન હતો તેથી નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં એ કરપાત્ર બનશે. જોકે, જેટલી રકમ મળી છે એમાંથી ૩૦ ટકા રકમની કપાત મળી શકશે. આમ, નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ની હાઉસ પ્રોપર્ટીની આવક ૪૮,૦૦૦ જ રહેશે. હવે આપણે એ જોઈશું કે બાકી નીકળતી રકમ જ્યારે પાછી મળે ત્યારે શું થાય. ભાડાની લેણી નીકળતી રકમ પાછલા વર્ષની વર્તમાન વર્ષે મળેલી રકમ હોય છે. હવે ધારો કે ઓમકારે રાજકોટમાં પોતાની હાઉસ પ્રોપર્ટી અરવિંદને દર મહિનાના ૩૦,૦૦૦ રૂપિયાના ભાડે આપી હતી. ડિસેમ્બર ૨૦૨૦માં ઓમકારને પંકજ પાસેથી એ જ ઘર માટે ૩૮,૦૦૦ રૂપિયાના ભાડાની ઑફર આવી. ઓમકારે અરવિંદ સાથે વાટાઘાટ શરૂ કરી અને એ ચાલતી જ રહી. આમ, માર્ચ ૨૦૨૧ સુધીમાં ઓમકારને દર મહિને ૩૦,૦૦૦ રૂપિયાનું જ ભાડું મળતું રહ્યું.
છેલ્લે એપ્રિલ ૨૦૨૧માં ઓમકારે અરવિંદને કહ્યું કે તેઓ જાન્યુઆરી ૨૦૨૧થી ૩૫,૦૦૦ રૂપિયાના હિસાબે ભાડું ચૂકવે અથવા જગ્યા ખાલી કરે. અરવિંદે એપ્રિલ ૨૦૨૧થી ૩૫,૦૦૦ રૂપિયા પ્રમાણે ભાડું ચૂકવ્યું, પરંતુ જાન્યુઆરી ૨૦૨૧થી માર્ચ ૨૦૨૧ માટેના ભાડાના તફાવત બાબતે ચર્ચા ચાલુ રહી. છેવટે, જુલાઈ ૨૦૨૧માં ઓમકારને ૧૫,૦૦૦ રૂપિયાનું બાકી નીકળતું ભાડું મળ્યું. જુલાઈમાં રકમ મળી હોવાથી જે નાણાકીય વર્ષમાં રકમ મળી એ જ વર્ષ માટે કરવેરો લાગુ પડશે. ઓમકારને ૩૦ ટકાની કપાત પણ મળશે.
આ કિસ્સામાં વાજબી ભાડું દર મહિને ૨૫,૦૦૦ છે એવું ધારીએ અને પ્રોપર્ટી ટૅક્સ ૧૦,૦૦૦ રૂપિયા ચૂકવાયો એવું ધારીએ તો હાઉસ પ્રોપર્ટીની આવકની ગણતરી આ પ્રમાણે થાયઃ
વિગત | નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ | નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ (અંદાજિત) |
અ. વાજબી અપેક્ષિત ભાડું | 3,00,000 | ૩,૦૦,૦૦૦ |
બ. મળેલું ભાડું | ૩,૬૦,૦૦૦ | ૪,૨૦,૦૦૦ |
કુલ વાર્ષિક ભાડું
(અ અને બ એ બન્નેમાંથી જે વધારે હોય એ) |
૩,૬૦,૦૦૦ | ૪,૨૦,૦૦૦ |
પ્રોપર્ટી ટૅક્સ | ૧૦,૦૦૦ | ૧૦,૦૦૦ |
નેટ ઍસેટ વેલ્યુ | ૩,૫૦,૦૦૦ | ૪,૧૦,૦૦૦ |
૩૦%ના દરે સ્ટાન્ડર્ડ ડિડક્શન | ૧,૦૫,૦૦૦ | ૧,૨૩,૦૦૦ |
કરજ પરનું વ્યાજ | શૂન્ય | શૂન્ય |
વર્ષ માટેની હાઉસ પ્રોપર્ટીની આવક | ૨,૪૫,૦૦૦ | ૨,૮૭,૦૦૦ |
ઉમેરો: ૩૦% કપાત લાગુ કર્યા પછીની ભાડાની લેણી રકમ | લાગુ નથી | ૧૦,૫૦૦ |
હાઉસ પ્રોપર્ટીની કરપાત્ર આવક | ૨,૪૫,૦૦૦ | ૨,૯૭,૫૦૦ |
————————————–
નીતેશ બુદ્ધદેવ
ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, કરવેરા અને પર્સનલ ફાઇનાન્સ ક્ષેત્રના નિષ્ણાત