આવક પર ૫૦,૦૦૦ રૂપિયાનું વધારાનું ડિડક્શન મેળવવા માટે ઉપયોગ કરો એનપીએસનો
નૅશનલ પેન્શન સ્કીમ (એનપીએસ)માં કરાતા રોકાણને આવક વેરા ધારાની કલમ ૮૦સી અને કલમ ૮૦સીસીડી કરવેરામાં રાહત મળે છે. કર બચાવવા માટેનો આ વિકલ્પ રોકાણકારોમાં પીપીએફ (પબ્લિક પ્રોવિડન્ટ ફંડ) અને ઈપીએફ (એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ) જેટલો જાણીતો નથી. ઉક્ત કલમો હેઠળ મળતી કરકપાત (ડિડક્શન) પગારદાર અને સ્વયં રોજગાર કરનારા લોકોને ઉપલબ્ધ છે.
એનપીએસમાં બે પ્રકારનાં અકાઉન્ટ હોય છેઃ ટિઅર ૧ અકાઉન્ટ અને ટિઅર ૨ અકાઉન્ટ. કરકપાત અને કરમુક્તિ મુખ્યત્વે ટિઅર ૧ અકાઉન્ટવાળાઓને મળે છે. આથી આપણે અહીં ટિઅર ૨ને બદલે ટિઅર ૧ અકાઉન્ટની ચર્ચા કરશું. કલમ ૮૦સીસીડી(૧) હેઠળ મળતી કરકપાત સ્વયં રોજગાર કરનારી વ્યક્તિઓને કુલ આવકના મહત્તમ ૨૦ ટકા સુધીની રકમ પર જ મળે છે. પગારદાર વ્યક્તિઓને એમના પગારના ૧૦ ટકા રકમ સુધીની કરમુક્તિ મળે છે. એનપીએસ માટે પગારની વ્યાખ્યામાં બેઝિક પગાર વત્તા મોંઘવારી ભથ્થું એ બન્નેને સામેલ કરવામાં આવે છે. નોંધનીય છે કે કલમ ૮૦સીસીડી(૧) હેઠળની કરકપાત ૮૦સીસીઈ કલમ હેઠળની ૧.૫ લાખ રૂપિયાની મહત્તમ મર્યાદાની અંદર જ આવી જાય છે. ૮૦સીસીઈ કલમમાં કહેવામાં આવ્યું છે કે કલમ ૮૦સી, ૮૦સીસીસી અને ૮૦સીસીડી હેઠળનું કુલ ડિડક્શન ૧.૫ લાખ રૂપિયા કરતાં વધારે લઈ શકાય નહીં.
એનપીએસમાં આવક વેરા ધારાની કલમ ૮૦સીસીડી (૧બી) હેઠળ ૫૦,૦૦૦ રૂપિયા સુધીના રોકાણ માટે અતિરિક્ત ડિડક્શન મેળવી શકાય છે. આ ડિડક્શન આવક વેરા ધારાની કલમ ૮૦સી હેઠળ મળતા ૧.૫ લાખ રૂપિયા સુધીના ડિડક્શન ઉપરાંતનું હોય છે. પગારદાર વ્યક્તિ અને સ્વયં રોજગાર કરતી વ્યક્તિ બન્નેને આ ડિડક્શન મળે છે. સ્વયં રોજગાર કરતી વ્યક્તિઓને કલમ ૮૦સીસીડી(૨) હેઠળનું ડિડક્શન મળતું નથી. માલિકે કર્મચારી માટે એનપીએસમાં આપેલા યોગદાનને પણ ડિડક્શન મળે છે. એમાં માલિક સરકાર હોય તો પગારના ૧૪ ટકા અને ખાનગી ક્ષેત્રના હોય તો પગારના ૧૦ ટકા જેટલું ડિડક્શન મળે છે. તેમાં રકમની મર્યાદા રાખવામાં આવી નથી. વળી, આ ડિડક્શન કલમ ૮૦સીસીડી(૧) અને ૮૦સીસીડી(૧બી) હેઠળ મળતા ડિડક્શન ઉપરાંતનું હોય છે. માલિકે આપેલું આ યોગદાન બિઝનેસ ખર્ચ ગણી શકાય છે.
અહીં જણાવવું રહ્યું કે એનપીએસ પીપીએફ અને ઈપીએફ કરતાં ઘણી જટિલ પ્રૉડક્ટ છે. એનપીએસ માટે અરજી કરનારની ઉંમર અરજી સુપરત કરતી વખતે ૧૮થી ૬૫ વર્ષની વચ્ચે હોવી જોઈએ.
એનપીએસ યોજનાનું સંચાલન કરવા માટે આઠ ફંડ મૅનેજરો રાખવામાં આવ્યા છે. આ યોજના પસંદ કરનારને ઑટો ચોઇસ અને ઍક્ટિવ ચોઇસ એવા બે વિકલ્પો આપવામાં આવે છે. ઑટો ચોઇસ હેઠળ નામાંનું સંચાલન નિર્ધારિત ફંડ મૅનેજર દ્વારા ઑટોમેટિકલી કરવામાં આવે છે. તેના માટે રોકાણકારની ઉંમર અને જોખમ ખમવાની એમની ક્ષમતાને ધ્યાનમાં રાખવામાં આવે છે. ઍક્ટિવ ચોઇસમાં રોકાણકાર કઈ ઍસેટ્સમાં રોકાણ કરવા ઈચ્છે છે એની પસંદગી શક્ય છે. દરેક ઍસેટ પ્રકારમાં મહત્તમ રોકાણની મર્યાદા હોય છે. રોકવામાં આવતી રકમની ફાળવણી ઈક્વિટી, કૉર્પોરેટ ડેટ, સરકારી બોન્ડ અને ઑલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સમાં કરવામાં આવે છે. આ ચોઇસમાં રોકાણકારને રોકાણ માટેના પોતાના વિકલ્પોમાં તથા ફંડ મૅનેજરમાં ફેરફાર કરવાનો વિકલ્પ પણ મળે છે. જોકે, એમાં કેટલીક મર્યાદાઓ રાખવામાં આવી છે. અહીં જણાવવું જરૂરી છે કે એનપીએસમાં રોકવામાં આવતા ભંડોળનું રોકાણ ઈક્વિટી માર્કેટમાં પણ કરવામાં આવતું હોવાથી તેનું વળતર નિશ્ચિત હોતું નથી. વળતરનું પ્રમાણ બજારના આધારે વધઘટ થયા કરે છે. વળી, સરકારી બોન્ડ અને કૉર્પોરેટ બોન્ડનું વળતર પણ બજાર પ્રમાણે બદલાતું હોય છે.
આના પછીના લેખમાં આપણે એનપીએસમાંથી નાણાંનો ઉપાડ કરવાના વિકલ્પો તથા એનપીએસને લગતા કરવેરાની વાત કરીશું.
પ્રશ્ન :
હું સ્વયં રોજગાર કરનાર વ્યક્તિ છું. મેં પીપીએફમાં ૭૫,૦૦૦ અને કરવેરાની બચત માટેના મ્યુચ્યુઅલ ફંડમાં ૭૫,૦૦૦ રૂપિયાનું રોકાણ કર્યું છે. જો હવે હું એનપીએસમાં ૭૫,૦૦૦ રૂપિયાનું રોકાણ કરું તો કેટલું ડિડક્શન લઈ શકું?
ઉત્તર :
તમે આવક વેરા ધારાની કલમ ૮૦સી હેઠળ પીપીએફ અને મ્યુચ્યુઅલ ફંડ મળીને ૧.૫ લાખ રૂપિયા સુધીની રકમનું ડિડક્શન મેળવી શકો છો. એનપીએસમાં કરાતા રોકાણનું ડિડક્શન કલમ ૮૦સીસીડી(૧) અને/અથવા ૮૦સીસીડી(૧બી) હેઠળ લઈ શકાય છે. જોકે, કલમ ૮૦સીસીઈની જોગવાઈ મુજબ કલમો ૮૦સી, ૮૦સીસીસી અને ૮૦સીસીડી(૧) હેઠળ મહત્તમ ડિડક્શન ૧.૫ લાખ રૂપિયાનું હોવાથી તમે ૮૦સીસીડી(૧) હેઠળ ૭૫,૦૦૦ રૂપિયાના રોકાણ પર ડિડક્શન લઈ નહીં શકો. આમ છતાં, કલમ ૮૦સીસીડી(૧બી) હેઠળ મહત્તમ ૫૦,૦૦૦ રૂપિયાનું ડિડક્શન લઈ શકાય છે. આ ત્રણે રોકાણ મળીને કુલ બે લાખ રૂપિયા (૭૫,૦૦૦+૭૫,૦૦૦ +૫૦,૦૦૦)નું ડિડક્શન ક્લેમ કરી શકાય છે.