બેન્જામિન ફ્રેન્કલિને કહ્યું છે, ‘‘જીવનમાં ફક્ત બે બાબતો નિશ્ચિત છે: મૃત્યુ અને કરવેરા.’’ જીવન અને મરણ માણસના નિયંત્રણમાં નથી પણ યોગ્ય આયોજનથી આપણે અમુક કરવેરાની બચત ચોક્કસ કરી શકીએ છીએ.
લિસ્ટેડ ઇક્વિટી શેર અથવા ઇક્વિટીલક્ષી મ્યુચ્યુઅલ ફંડનું વેચાણ કરીએ ત્યારે મળતો નફો – લોંગ ટર્મ કૅપિટલ ગૅઇન્સ (લાંબા ગાળાનો મૂડી લાભ – એલટીસીજી) ૧ એપ્રિલ ૨૦૧૮થી કરપાત્ર બનાવવામાં આવ્યો ત્યારે રોકાણકારોનાં અનેક નાણાકીય સમીકરણો બદલાઈ ગયાં. ઇક્વિટી શેર ખરીદીની તારીખથી ૧૨ મહિના કરતાં વધુ સમય સુધી રાખી મૂકવામાં આવે ત્યારે તેને લોંગ ટર્મ એટલે કે લાંબા ગાળાનું રોકાણ ગણવામાં આવે છે.
નોંધનીય છે કે વર્ષ ૨૦૧૮ની પહેલાં લોંગ ટર્મ કૅપિટલ ગેઇન્સ કરમુક્ત હતો અને રોકાણકારોએ ક્યારેય સ્વપ્નેય વિચાર્યું ન હતું કે એમણે એના પર કરવેરો (એલટીસીજી ટૅક્સ) ભરવાનો દિવસ આવશે. ઈક્વિટી રોકાણ પર એલટીસીજી ટૅક્સ લાગુ કરવાનો નિર્ણય કોઈનેય ગમ્યો ન હતો. જોકે, એમાં થોડી રાહત આપીને એની કઠોરતા ઓછી કરવામાં આવી છે. દરેક નાણાકીય વર્ષમાં ૧ લાખ રૂપિયા સુધીનો એલટીસીજી કરમુક્ત રાખવામાં આવ્યો છે. ૧ લાખ રૂપિયા કરતાં વધુના એલટીસીજી પર ૧૦ ટકા કરવેરા ઉપરાંત ૪ ટકા સેસ લાગે છે. તેમાં ઇન્ડેક્સેશનનો લાભ પણ આપવામાં આવતો નથી.
ઉક્ત વાતને એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે સુરેન્દ્રભાઈએ માર્ચ ૨૦૧૮માં લિસ્ટેડ શેરોમાં ૬ લાખ રૂપિયાનું રોકાણ કર્યું. એ શેરનું મૂલ્ય માર્ચ ૨૦૨૦માં વધીને ૭ લાખ રૂપિયા થઈ ગયું. સુરેન્દ્રભાઈને પૈસાની જરૂર નહીં હોવાથી તેઓ એ રોકાણ એમ ને એમ રહેવા દે છે. ધારો કે એમના શેરનું મૂલ્ય માર્ચ ૨૦૨૧માં વધીને ૭.૫ લાખ રૂપિયા થઈ ગયું. હવે એમને નાણાંની જરૂર હોવાથી તેઓ શેર વેચી કાઢે છે. એમને ૬ લાખ રૂપિયાના રોકાણ સામે ૭.૫ લાખ રૂપિયા મળે છે અર્થાત્ એમનો એલટીસીજી ૧.૫ (૭.૫ – ૬) લાખ રૂપિયા થાય. આ ૧.૫ લાખ રૂપિયામાંથી ૧ લાખ રૂપિયા કરમુક્ત રહે છે. બાકીના ૫૦ હજાર રૂપિયા પર ૧૦ ટકા એલટીસીજી ટૅક્સ અને ૪ ટકા સેસ મળીને કુલ કરવેરો ૫,૨૦૦ રૂપિયા થાય. અહીં રોકાણ પર વળતર ૧.૫ લાખ રૂપિયાનું મળ્યું, પરંતુ એમાંથી ૫,૨૦૦ રૂપિયાનો કરવેરો કાઢી નાખીએ તો એમને વાસ્તવમાં ૧,૪૪,૮૦૦ રૂપિયા મળ્યા.
એલટીસીજી માટે કરવેરાની ઉક્ત જોગવાઈ હોવા છતાં શું એલટીસીજી ટૅક્સ બચાવવાનું શક્ય છે?
હા, જો વ્યક્તિએ યોગ્ય આયોજન કર્યું હોય તો એલટીસીજી પરનો કરવેરો બચાવી શકાય છે. આ વાતનું પણ ઉદાહરણ જોઈ લઈએ. ધારો કે સુરેન્દ્રભાઈની જેમ મહેન્દ્રભાઈએ માર્ચ ૨૦૧૮માં ૬ લાખ રૂપિયાના શેર ખરીદ્યા હતા. માર્ચ ૨૦૨૦માં એમના શેરનું મૂલ્ય વધીને ૭ લાખ રૂપિયા થઈ ગયું. મહેન્દ્રભાઈને પૈસાની જરૂર નથી, પરંતુ એમને કરવેરાનું સારું એવું જ્ઞાન છે. આથી તેઓ માર્ચ ૨૦૨૦માં ૭ લાખ રૂપિયામાં શેર વેચીને એ જ રકમમાંથી ફરીથી શેરની ખરીદી કરી લે છે. શેરના વેચાણ અને પુનઃ ખરીદીના વ્યવહાર સંપૂર્ણપણે કાનૂની છે અને લોંગ ટર્મ કૅપિટલ ગેઇન ૧ લાખ રૂપિયા સુધીનો જ હોવાથી એના પર કરવેરો લાગતો નથી. માર્ચ ૨૦૨૧માં મહેન્દ્રભાઈએ ૭ લાખ રૂપિયાના શેર ખરીદ્યા હોવાથી એમનું મૂળ રોકાણ હવે ૭ લાખ રૂપિયાનું થઈ ગયું. હવે માર્ચ ૨૦૨૧માં એમના રોકાણનું મૂલ્ય વધીને ૭.૫ લાખ રૂપિયા થઈ ગયું છે. એમને પૈસાની જરૂર પડી હોવાથી તેઓ શેર વેચીને ૭.૫ લાખ રૂપિયા મેળવે છે. આ વેચાણ પર એમને એલટીસીજી ટૅક્સ લાગુ થતો નથી, કારણ કે એમને મળેલો નફો ૫૦ હજાર (7.5 – 7) રૂપિયા છે, જે ૧ લાખ રૂપિયા કરતાં ઓછો હોવાથી કરમુક્ત કહેવાય.
આ ઉદાહરણોમાં આપણે સરળતા ખાતર બ્રોકરેજ અને સિક્યૉરિટીઝ ટ્રાન્ઝેક્શન ટૅક્સની ગણતરી કરી નથી, કારણ કે અલગ અલગ બ્રોકરો અલગ અલગ બ્રોકરેજ ધરાવે છે.
સુરેન્દ્રભાઈ અને મહેન્દ્રભાઈના વ્યવહારોમાં રહેલા ફરકને કારણે મહેન્દ્રભાઈએ એલટીસીજી ટૅક્સ ભરવાનો આવ્યો નહીં. આના પરથી કહી શકાય કે દર વર્ષે લિસ્ટેડ શેર કે ઈક્વિટીલક્ષી મ્યુચ્યુઅલ ફંડમાં ૧ લાખ રૂપિયાનો નફો અંકે કરી લેવો અને પૈસાની એ વખતે જરૂર ન હોય તો ફરીથી બજારમાં રોકાણ કરી દેવું. ૧ લાખ રૂપિયાના એલટીસીજીની મર્યાદા દરેક નાણાકીય વર્ષ માટેની અને દરેક પૅન (પરમાનન્ટ અકાઉન્ટ નંબર) માટેની છે. વધુ કરવેરો બચાવવો હોય તો પરિવારના દરેક સભ્યના નામે ઈક્વિટીના વ્યવહારો કરી શકાય.
——————–
પ્રશ્નઃ મેં એક લિસ્ટેડ કંપનીના ૧,૦૦૦ શેર ફેબ્રુઆરી ૨૦૨૦માં ૧૨૦ રૂપિયાના ભાવે ખરીદ્યા હતા. હાલ એટલે કે માર્ચ ૨૦૨૧માં તેનો ભાવ ૩૦૦ રૂપિયા થઈ ગયો છે. હું લાંબા સમય માટે આ શેર રાખી મૂકવા માગું છું. આ સ્થિતિમાં કરની બચત કરવા માટે મારે શું કરવું જોઈએ?
ઉત્તરઃ સૌથી પહેલાં તો આપને અભિનંદન, કારણ કે આપે ખરીદેલા શેરની કામગીરી ઘણી સારી રહી છે. તમે ખરીદી કર્યાને ૧૨ મહિના કરતાં વધુ સમય થઈ ગયો હોવાથી તમે શેર વેચશો ત્યારે એલટીસીજી ટૅક્સ લાગુ થશે. તમે જો હાલના ભાવે શેર વેચશો તો તમને ૧.૮ લાખ રૂપિયાનો નફો થશે અને તમારે ૮૦,૦૦૦ રૂપિયા પર એલટીસીજી ટૅક્સ ભરવો પડશે. સેસ લાગુ કરતાં તમારે કુલ ૮,૩૨૦ રૂપિયાનો કરવેરો ચૂકવવો પડશે. કરવેરાની દૃષ્ટિએ જોઈએ તો તમારે આશરે ૫૫૦ શેરનું વેચાણ કરીને ત્રણથી ચાર દિવસની અંદર એ શેર પાછો ખરીદી લેવો અને રોકાણ રાખી મૂકવું. તમે ૫૫૦ શેર વેચશો તો તમને ૯૯,૦૦૦ રૂપિયાનું વળતર (વેચાણનું મૂલ્ય ૧,૬૫,૦૦૦ – ખરીદમૂલ્ય ૬૬,૦૦૦) મળશે. આ વળતર સંપૂર્ણપણે કરમુક્ત હશે, કારણ કે એ ૧ લાખ રૂપિયા કરતાં ઓછું છે.
——————–
નીતેશ બુદ્ધદેવ
ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, કરવેરા અને પર્સનલ ફાઇનાન્સ ક્ષેત્રના નિષ્ણાત